09/06/2025
"અબૂધ"
લઘુકથા
"અસ્સલામુ અલયકુમ"
આવનાર માણસે મૌલવી સાહેબ ના ઘરે બહાર ઊભા રહી ઊંચા અવાજે સલામ કર્યા અને આવ્યાની હાજરી પણ પુરાવી.
મૌલવી સાહેબ 'વાલેકુમ અસ્સલામ' કહેતાં ઘરની બહાર આવ્યા. પૂછ્યું - 'શું કામ હતું ?'
"નિકાહ પઢાવવાના છે તો તમે ચાલો." - આવનાર ગ્રામજને મૌલવી સાહેબને કહ્યું.
"કોના ઘરે લગ્ન છે ?" અને જાન ક્યાંથી આવી ?" મૌલવી સાહેબે માથા ઉપરની ટોપી સરખી કરતાં કરતાં આવનાર ને પૂછ્યું.
"અસલમ ભાઈની દીકરી છે"
અને કાથોર વાળા સુલતાનભાઈ સાથે નીકાહ્ છે." આવનાર અચકાતાં અચકાતાં બોલ્યો.
"આ સુલતાન ના નીકાહ તો મેં ૨૫ વર્ષ પહેલાં પઢાવેલા." આ ભાઈ બીજું લગ્ન કરવા આવ્યા છે ? પહેલી પત્નીનું શું થયું ?" મૌલવી સાહેબે ત્રણ ચાર પ્રશ્નો એક સાથે પૂછી નાખ્યા.
"ના" પત્ની અને વસ્તાર તો છે. પણ ... આવનાર આગળના શબ્દો ગળી ગયો.
"એની ઉંમર તો પચાસ થી ઉપરની હશે." મૌલવી સાહેબ ભ્રુકુટી ઉંચી કરતાં આગળ બોલ્યા.. "આ છોકરીની ઉંમર તો એની દીકરી જેટલી પણ નથી. "આ લગ્ન નક્કી કરનાર ને અલ્લાહ માફ નહીં કરે. ના હું આ નીકાહ નહીં પઢાવું, આવું પાપ મારે નથી કરવું." મૌલવી સાહેબે મોઢું બગાડી વાત કરી.
"મૌલાના સાહેબ, તમારું કામ નીકાહ પઢાવવાનું છે. બીજી પંચાતમાં શા માટે પડો છો. છોકરી આપનારને વાંધો નથી લગન કરનાર ને વાંધો નથી, તો તમારે શું ?" આવનારે એની વાત મૂકી.
લાંબી જીભા જોડી પછી કમને મૌલવી સાહેબ નીકાહનામા નો ચોપડો લઇ આવનાર સાથે ચાલી નીકળ્યા.
આમ એક મજબૂર, નિઃસહાય, અબૂધ છોકરીની જીંદગી નર્કની ચિતા ઉપર ચઢી ગઈ.
Jay